હું ઈશ્વર ન બન્યો



છ મિત્રો, તેમાં ત્રણ ડૉક્ટર, બે બિઝનેસમૅન અને એક કમ્પ્યુટર નિષ્ણાત. બધા વચ્ચે આમ તો કંઈ કોમન નહિ પણ બધા એકબીજાને છેલ્લાં ચાળીસ વર્ષથી ઓળખતા હતા. તેઓને એક સૂત્રથી બાંધી રાખનાર હતી એક પત્તાંની રમત – બ્રિજ. આ બધા મિત્રોને બ્રિજનો જેને ગાંડો કહી શકાય એવો શોખ હતો. તેઓ દર ગુરુવારે કે શુક્રવારે કોઈ એક મિત્રને ત્યાં વારાફરતી બ્રિજ રમતા.

રાત્રીના આઠથી સાડા આઠે ભેગા થઈને રમત શરૂ થાય તે બાર-એક વાગ્યા સુધી ચાલે. તેઓના કેટલાંક સંતાનોના જન્મ થયા ત્યારે તેઓ તે હૉસ્પિટલમાં પણ બ્રિજ રમ્યા હતા. પછી તેઓ મોટા થતા ગયા અને સંતાનો પણ. સંતાનો એક પછી એક અમેરિકા ગયાં કે લગ્ન કરીને બીજા શહેરમાં ગયાં. હવે તેઓ સાડા અગિયારે છૂટા પડતા અને કોઈક વખત તેઓ બ્રિજ રમતા ન હતા, કારણ કે કોઈ ને કોઈ બે-ત્રણ સાથીઓ એકસાથે અમેરિકા જતા રહેતા પણ આવે વખતે પણ તેઓ ભેગા તો થતા અને જૂની વાતોને યાદ કરતા. એકાદ ડ્રિંક લેતા અને છૂટા પડતા.

આજે ગુરુવાર હતો અને ત્રણ મિત્રો જ હતા. બે સાથી અમેરિકા હતા અને એક કોલકતા ગયો હતો. આજે બ્રિજની રમત શક્ય ન હતી. ડૉ. શાંતિભાઈ જેમને ત્યાં બ્રિજની રમતનો વારો હતો તેઓએ સીવાસની બોટલ કાઢી અને બધાના પેગ બનાવ્યા અને બધા વાતોએ વળગ્યા.
‘આજે મારે એક વાત કહેવી છે….’ શાંતિભાઈએ શરૂઆત કરતાં કહ્યું.
‘તમારા કોઈ કેસની વાત સાંભળવી નથી.’ એક મિત્ર ચંદ્રકાન્તે કહ્યું. બધા તેને આમ તો ચીનુ કહેતા હતા.
‘કેસની જ વાત છે પણ તે સમયે હું…… પણ તેના કરતાં હું પહેલેથી જ વાત કરું.’ અને શાંતિભાઈ વાત શરૂ કરી.

‘આજથી વીસ વર્ષ પહેલાંની વાત છે. મારી હૉસ્પિટલમાં એક સ્ત્રીની હું ડિલિવરી કરતો હતો. ડિલિવરી મુશ્કેલ હતી. સામાન્ય રીતે પ્રસુતિ થાય ત્યારે માથું પહેલાં આવે ત્યાર પછી શરીરનાં બીજા બધાં અવયવો આવે પણ આ કેસમાં મેં જ્યારે તપાસ માટે મારો હાથ ગર્ભાશયમાં નાખ્યો ત્યારે મને ખબર પડી કે માથાને બદલે નીચેની બાળક આવે છે. હવે આ પ્રસુતિ થોડી મુશ્કેલ હોય છે. મેં તેની પણ તૈયારી કરી દીધી અને જરૂર પડે તો સિઝરિયન કરવાની પણ તૈયારી કરી. મેં થોડી વધુ તપાસ કરી તો મને થયું કે તેનો એક પગ ખૂબ જ ટૂંકો છે.’ શાંતિભાઈ અટક્યા. તે સાથે ચીનુ બોલી ઊઠ્યો :
‘એટલે તમે…..’

શાંતિભાઈએ એક ઘૂંટ લીધો અને બોલવાનું શરૂ કર્યું : ‘ચીનુ, તું ઉતાવળો છે પણ અહીં ઉતાવળ ન ચાલે. આ બહેનની સોનોગ્રાફીની તપાસ મેં કરી હતી. અને મને ખબર હતી કે આવનારું બાળક કન્યા છે. હું એક ક્ષણ માટે વિચારતો હતો કે હું જો થોડી વાર કરું અને આ બાળકને બહાર ન આવવા દઉં તો આ બાળક અંદર જ મૃત્યુ પામે. આમ વિચારવાનું એકમાત્ર કારણ એ કે આ કન્યા હતી અને તે પણ પાછી ખોડખાંપણ સાથેની. તેના જન્મ પછી આખી જિંદગી તેને અને તેનાં માતાપિતાને સહન કરવાનું હતું. તેના મેરેજની ચિંતા અને બાળકને આખી જિંદગી ઓશિયાળા રહેવાનું હતું. મારે એકાદ મિનિટમાં જ વિચાર કરવાનો હતો. તે સમયે મને થયું કે ઈશ્વર આમ કેમ કરતો હશે અને…. હું અટક્યો. તે બાળક બહાર આવવા માટે મથામણ કરતું હતું અને તેની નીચેનો ભાગ બહાર આવી રહ્યો હતો અને મેં નિર્ણય કર્યો કે હું ક્યાં ઈશ્વર છું અને તે બાળક બહાર આવ્યું.’

બધાને વાત સાંભળવામાં હવે રસ પડ્યો હતો. તેમણે વાત આગળ ચલાવી, ‘તે બાળકીનો પગ ટૂંકો હતો અને તે પગમાં કોઈ આંગળીઓ ન હતી. મને થયું કે આ છોકરી કેવી રીતે ચાલશે અને તેને સમાજમાં સહન કરવું પડશે અને તેના મૅરેજ જો થશે તો તેને કોઈ અપંગ જ મળશે. એક નર્સે તે બાળકીને સાફ કરીને માતાના હાથમાં આપી. માતાએ પણ તેનો પગ જોયો અને મારી સામે જોયું. મને ખબર ન પડી કે તે આંખમાં શું હતું ? નિરાશા ? દુ:ખ કે પ્રશ્ન કે આવી બાળકીનું શું થશે ? હું ત્યાંથી બહાર આવ્યો ત્યાર પછી બીજા બે દિવસ હું તેને મળવા જવાનું ટાળતો હતો અને છેલ્લે દિવસે જ્યારે તેને રજા આપી ત્યારે પણ થોડીક વારમાં તેની સાથે થોડી વાત કરીને જવા દીધી. પછીથી તે માતા અને બાળકી મારા ચિત્તમાંથી નીકળી ગયાં.’

શાંતિભાઈએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ ચલાવી, ‘બે દિવસ પહેલાં હું એક સંગીતના કાર્યક્રમમાં ગયો હતો અને એક યુવતી ત્યાં તેના મધુર કંઠેથી ગુજરાતી ગીતો ગાતી હતી અને તેની સાથે એક યુવક પણ હતો. યુવક હેન્ડસમ હતો અને યુવતી પણ સુંદર હતી. મને થયું કે કેટલું સુંદર જોડું છે. મેં શાંતિથી તે ગીતો માણ્યાં. કાર્યક્રમ પૂરો થયો અને એક સ્ત્રી મારી પાસે આવી,
‘ડૉક્ટરસાહેબ, મારી ઓળખાણ પડી ?’
મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ યાદ આવ્યું નહિ. તે ચહેરો ધૂંધળો-ઓળખીતો લાગતો હતો.
‘ડૉક્ટરસાહેબ, મારું નામ સુનીતા છે અને અઢાર વર્ષ પહેલાં તમારી હૉસ્પિટલમાં મેં એક દીકરીને જન્મ આપ્યો હતો.’ આટલું કહીને તેણે પેલી ગીત ગાતી યુવતીને બોલાવી. તે આવી. તે લાકડીને ટેકે સહેજ લંગડાઈને ચાલતી હતી. તેની સાથે પેલો યુવક પણ હતો. તે યુવકે તેનો હાથ પકડ્યો હતો. તે નૉર્મલ હતો. એકાએક મને અઢાર વર્ષ પહેલાંનો બનાવ યાદ આવ્યો. હું તે યુવતીને જોતો રહ્યો. યુવતી અને યુવક મારી પાસે આવ્યાં અને મને પગે લાગ્યાં.
‘ડૉકટરસાહેબ, તમારા જ પ્રયત્નોથી મારી આ દીકરીનો જન્મ થયો હતો. આજે તેણે સંગીતમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને હવે તે આવા કાર્યક્રમો કરે છે.’
‘શું નામ છે બેટા ?’ મેં પૂછ્યું હતું અને તેણે કહ્યું કે ‘નિશા.’ અને સાથે કહ્યું કે આ મારો મિત્ર નિમિષ છે અને અમે બન્ને બે મહિના પછી મૅરેજ કરવાનાં છીએ.’ હું આભો બનીને તે યુવક સામે જોઈ રહ્યો. આટલો સુંદર યુવક તેનો સાથી બનવાનો હતો અને નિશા પણ સરસ હતી.

કાર્યક્રમ તો પૂરો થયો હતો તેમ છતાં મેં કહ્યું :
‘બેટા, મને એક ગીત વધુ સંભળાવ.’
અને આખા હૉલમાં મેં એકલાએ નિશા અને નિમિષનું ગીત સાંભળ્યું. મારી આંખમાં આંસુ હતાં. તે ક્ષણે મને થયું કે તે દિવસે હું ઈશ્વર ન બન્યો તે કેટલું સારું થયું. તે ભૂલ ન કરી તે માટે આજે હું ઈશ્વરનો આભાર માનું છું.’

   ડૉ. પ્રદીપ પંડ્યા

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU